હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, આ 4 જિલ્લામાં રેડ એલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 6.25 છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.
આ દરમિયાન અમદાવાદમાં આજે વહેલી સવારથી કાળા ડિબંગા વાદળો છવાયેલા હતા. વહેલી સવારથી શહેરના એસજી હાઈવે, બોપલ, સરખેજ, શિવરંજની અને નવા વાડજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.