હવામાન@ગુજરાત: રાજ્યમાં 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો નોંધાયો?

 
વરસાદ
સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં  5.45ઈંચ, જૂનાગઢમાં 4.80 ઈંચ, સુરતના ઉમરપાડામાં 4.60 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.48 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લાોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8થી 10 ઈંચ વરસાદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે, ત્રીજીથી પાંચમી ઓક્ટોબર ભારે વરસાદ વરસી શકે છે.