હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 253 તાલુકામાં વરસાદ, આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 253 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 12.25 ઈંચ જ્યારે પાટણના રાધનપુરમાં 9.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે એક જ દિવસમાં 30736 સ્થળાંતર જ્યારે 3 હજારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ 7 જિલ્લામાં રેડ જ્યારે 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.છેલ્લા 24 કલાકમાં વલસાડમાંથી સૌથી વધુ 14083, નવસારીમાંથી 12367, સુરતમાંથી 2810, અમદાવાદમાંથી 417 લોકો પાણીમાં ફસાયેલા હોવાથી અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું.
એક દિવસમાં વલસાડમાંથી 2665 વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હતું. 1 જૂન 2026 થી 23 જુલાઈ 2026 દરમિયાન રાજ્યના 40665 વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે જ્યારે 6766નું રેસ્ક્યુ કરાયું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું વધારે પ્રભુત્વ રહ્યું હતું. પાટણના સાંતલપુરમાં 12.25 ઈંચ, પાટણના રાધનપુરમાં 9.50, વાવ-થરાદમાં 7.15 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદને પગલે ગુજરાતનું જનજીવન ખોરંભે ચડ્યું છે. હાલ રાજ્યના 1204 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં વલસાડ જિલ્લાના સૌથી વધુ 461 રોડનો સમાવેશ થાય છે. હાલ જે રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે તેમાં 30 સ્ટેટ હાઈવે, 1119 પંચાયત માર્ગ, ચાર નેશનલ હાઈવે, 3 NHAI જ્યારે 48 અન્ય માર્ગનો સમાવેશ થાય છે.
જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો નવસારીમાં 248, સુરતમાં 244, તાપીમાં 190, ડાંગમાં 19, સુરેન્દ્રનગરમાં 11, અમદાવાદના 8 હાઈવેનો સમાવેશ થાય છે.વરસાદથી 4095 ગામડામાં અંધારપટ છવાયો હતો. આ પૈકી 3762 ગામડામાં વીજપુરવઠો પૂર્વવત થયો છે અને 333માં હજુ અંધારપટ છે. 8207 ફીડર્સ, 7882 પોલ્સ અને 409 ટ્રાન્સફોર્મેશન સેન્ટરને ભારે વરસાદથી નુકસાન થયેલું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામા આવ્યું છે. અને બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

