હવામાન@ગુજરાત: રાજ્યમાં 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો ખાબક્યો? જાણો

 
Varsad
ઘણાં રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 3.26 ઈંચ અને નર્મદાના સાગબારામાં 3.22 ઈંચથી વરસાદ નોંધાયો છે. જ્યારે 20 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 60 તાલુકામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. આજે દાહોદ, અરવલ્લી, નર્મદા મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં ભારે વરસાદ શક્યતા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું છે.

આ ડીપ ડિપ્રેશન લગભગ 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઘણાં રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.ભારતીય હવામાન વિભાગએ આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.