હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ, પંચમહાલના જાંબુઘોડામાં આઠ ઈંચ વરસાદ

 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પંચમહાલના જાંબુઘોડામાં આઠ ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.છેલ્લા 24 કલાકમાં જેતપુર પાવીમાં પાંચ ઈંચ, પેટલાદમાં પોણા ચાર ઈંચ, કપરાડામાં 3 ઈંચ, તારાપુરમાં પોણા 3 ઈંચ, હાલોલમાં પોણા 3 ઈંચ , બોરસદ, ઝઘડિયામાં અઢી-અઢી ઈંચ, આણંદમાં બે ઈંચ વરસાદ, ઉમરગામ, છોટાઉદેપુરમાં 2-2 ઈંચ, ચુડામાં પોણા બે ઈંચ, વડોદરામાં પોણા બે ઈંચ, આંકલાવ, બોડેલીમાં દોઢ-દોઢ ઈંચ, વાઘોડિયામાં સવા ઈંચ, કાલોલ, ઘોઘંબા, ખંબાતમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ દક્ષિણ,મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમને લીધે જૂલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.ભારે વરસાદથી છોટાઉદેપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાટ બજાર, વીજ કચેરી કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. વાપી-શામણાજી નેશનલ હાઈવે નંબર 56 બિસ્માર બની ગયો છે. માન નદીના પાણી ફરી વળતા કોઝ વે પર ગાબડા પડી ગયા છે.મોડી રાત્રે સાંસદ સ્થળ પર પહોંચવાના હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા થયા અને રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી.