હવામાન@ગુજરાત: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, 3 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત

 
વરસાદ
બનાસકાંઠા, પાટણમાં સામાન્ય ઝાપટા પડી શકે છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં વરસાદી સિસ્ટમનું જોર ઘટ્યું છે. જેમાં 3 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત છે. રાજયમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની સંભાવના રહેલી છે. વરસાદી સિસ્ટમો દૂર થતા ગરમીમાં થશે વધારો અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઊંચકાયું છે. સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 33.2 ડિગ્રી અને ગાંધીનગરમાં તાપમાન 33.0 ડિગ્રી નોંધાયું છે. વરસાદને લઇ હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે.

રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે અને કચ્છ પંથકમાં પડી શકે ગાજવીજ સાથે વરસાદ, તો ગુજરાતના અલગ-અલગ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની નહિવત શક્યતા સેવાઈ રહી છે બનાસકાંઠા, પાટણમાં સામાન્ય ઝાપટા પડી શકે છે અને દ્વારકા, જૂનાગઢ, રાજકોટમાં સામાન્ય ઝાપટા પડી શકે છે. ગુજરાતમાં સિઝનનો 106 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્ર ઝોનને બાદ કરતાં તમામ ઝોનમાં 100 ટકા કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 117.03, મધ્ય ગુજરાતમાં 110.07, દક્ષિણ ગુજરાતમાં 110.68, કચ્છમાં 116.12 અને સૌરાષ્ટ્રમાં 93 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોમાં 87.54 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 91.07 ટકા પાણીનો સંગ્રહ છે. 127 ડેમ હાઈ એલર્ટ, 24 ડેમ એલર્ટ અને 12 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.