હવામાન@ગુજરાત: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

 
હવામાન
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે ચોમાસાની ગતિ ધીમી પડી છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આગામી બે દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ રાજ્યમાં ક્યાંય પણ અતિભારે અથવા ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી નથી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 અને 11 જુલાઈ દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ, ભરૂચ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.12થી 15 જુલાઈ દરમિયાન વરસાદનું જોર વધુ ઘટશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી રહેશે.હવામાન વિભાગના મધ્યમ ગાળાના અનુમાન મુજબ 16થી 19 જુલાઈ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બની શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ફરી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે મહત્તમ તાપમાન આશરે 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. રાજકોટ, સુરત અને વડોદરામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. આ શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે.