હવામાન@ગુજરાત: 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ ખાબક્યો, મહુવામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ નોંધાયો

 
વરસાદ
24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. 7 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.ભરુચમાં પણ અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાંસોટમાં 2.32 ઈંચ, નેત્રંગમાં 1.73 ઈંચ વરસાદ વરસ્યો છે.જ્યારે ભરુચમાં 1.69 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના માંગરોળમાં 1.65 અને ઓલપાડમાં 1.22 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ભરુચના વાલિયામાં 1.10 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતને ફરી વરસાદ ધમરોળી શકે છે. હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે તેવી શક્યતા છે.