હવામાન@ગુજરાત: કડકડતી ઠંડી વચ્ચે બનાસકાંઠામાં ખાબક્યો વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

 
વરસાદ

વરસાદના પગલે પાકમાં નુકસાન જવાની ભીતિ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં એક તરફ જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ ગુજરાતના જ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે, તો કેટલાક વિસ્તારોમાં જ કડકડતી ઠંડી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. એક તરફ ખેડૂતોએ શિયાળુ પાક લીધેલો છે અને બીજી તરફ ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી પતંગ રસિકોમાં પણ ઉત્સાહનો માહોલ છે. જો કે આ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.

પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. પાલનપુરના જગાણા, ભાગળ સહિતના પંથકમાં વરસાદી છાંટા પડ્યા છે. કમોસમી વરસાદની શક્યતાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના પગલે પાકમાં નુકસાન જવાની ભીતિ છે. બીજી તરફ જો આ જ વરસાદી માહોલ બે દિવસ પછીના ઉત્તરાયણના તહેવારમાં પણ રહે તો તે પતંગ રસિકોની મજા પણ બગાડી શકે છે. તેથી બનાસકાંઠાના પતંગ રસિકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે. જેમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. જો આગામી 24 કલાકની વાત કરવામાં આવે તો લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફના પવનોના લીધે ઠંડી ઘટશે. 12 જાન્યુઆરી બાદ ફરી તાપમાનમાં થશે ઘટાડો.