હવામાન@ગુજરાત: દિવાળીના તહેવારોમાં પણ વરસાદ વરસી શકે, આજે આ વિસ્તારોમાં આગાહી

 
વરસાદ
આજનો દિવસ પણ ગુજરાતના ખેડૂતો માટે ભારે રહેશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારોમાં પણ વરસાદ વરસી શકે છે. ગઇકાલે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાંપટા પડ્યા હતા, જેમાં સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. હવે આજનો દિવસ પણ ખેડૂતો માટે ભારે રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.

હવામાન વિભાગ અનુસાર, આજે પણ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે. તાજા અપડેટ પ્રમાણે, આજનો દિવસ પણ ગુજરાતના ખેડૂતો માટે ભારે રહેવાનો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ ફરી એકવાર તંત્ર એલર્ટ મોડમા છે. પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ખાતે અમુક સ્થળોએ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

આજે મંગળવારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.