હવામાન@ગુજરાત: 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ, બનાસકાંઠા-કચ્છમાં આભ ફાટ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં હાલમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિતર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત બનાસકાંઠામાં ગઈકાલે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો રાતના 10 વાગ્યા સુધીમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે બનાસકાંઠાના સુઈગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુઈગામમાં આભ ફાટી પડતાં 14.17 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા હતા.
બનાસકાંઠાના ભાભરમાં 8.62 અને થરાદમાં 7.83, તથા વાવ વિસ્તારમાં 7.8 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે દિયોદરમાં 4.41 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે બીજી બાજુ કચ્છમાં પણ મેઘરાજાએ તાંડવ કર્યાની માહિતી મળી છે. કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 9.25 ઈંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ તાપી, પાટણ, વલસાડના અમુક તાલુકામાં 4.50 ઈંચ તો અમદાવાદ-ગાંધીનગરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.