હવામાન@ગુજરાત: 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, આજે પાંચ જિલ્લામાં રેડ ઍલર્ટ

 
વરસાદ
દક્ષિણ ભાગમાં પણ ‘ઓરેન્જ ઍલર્ટ’ જાહેર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાનો વાલોડ તાલુકો 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ઉમરગામમાં 2.40 ઇંચ, તાપીના વ્યારામાં 2.24 ઇંચ અને ઉકાઈમાં 2.09 ઇંચ ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત સિટીમાં પણ 1.93 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10 વાગ્યા સુધી પાંચ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર (મહુવા, ઘોઘા), દેવભૂમિ દ્વારકા (ભાનવડ), રાજકોટ (જામકંડોરણા) અને મોરબીમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે. મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં 13 મિ.મી. વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર, 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી એટલે કે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ તેમજ તાપી અને ડાંગના વિસ્તારોમાં આગામી કલાકોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડી શકે છે.

સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં પણ હવામાન વિભાગે ‘ઓરેન્જ ઍલર્ટ’ જારી કર્યું છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને ભાવનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના સાથે ‘યેલો ઍલર્ટ’ આપવામાં આવ્યું છે.