હવામાન@ગુજરાત: આજે વહેલી સવારથી 29 તાલુકામાં વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ

 
વરસાદ

બાલાસિનોર-કઠલાલમાં 3-3 ઇંચ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને ખેડા જિલ્લાના કઠલાલમાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈમાં સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અન્ય 12 તાલુકામાં પણ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ પણ હવે સામાન્ય કરતાં થોડો વધુ નોંધાયો છે. અત્યાર સુધીમાં સરેરાશ 494.5 મિમી એટલે કે 19.44 ઇંચ વરસાદ થવો જોઈએ, તેની સામે 501.6 મિમી એટલે કે 19.72 ઇંચ વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અલગ-અલગ વિસ્તારોમાં 1 મિમીથી લઈને 9 મિમી સુધી વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. વરસાદી માહોલને કારણે અનેક વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં ઠંડક વધી છે. 13 અને 14 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મુખ્ય શહેરોના મહત્તમ તાપમાનમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.13 ઓગસ્ટે 34 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહેલા દમણનું તાપમાન 14 ઓગસ્ટે સીધું 4.4 ડિગ્રી ઘટીને 29.6 ડિગ્રી થઈ ગયું હતું.

આ ઉપરાંત કંડલામાં 2 ડિગ્રી, ડીસામાં 1.5 ડિગ્રી અને ભૂજમાં 1.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 29.3 ડિગ્રીથી વધીને 31 ડિગ્રી થયું, એટલે 1.7 ડિગ્રીનો વધારો નોંધાયો.ઓખામાં તાપમાન 29.6 ડિગ્રીથી વધીને 31.4 ડિગ્રી થયું, એટલે 1.8 ડિગ્રીનો ઉછાળો નોંધાયો.અમદાવાદમાં 31.9 ડિગ્રી, ભાવનગરમાં 31.8 ડિગ્રી, અમરેલીમાં 30.9 ડિગ્રી અને પોરબંદરમાં 32.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.14 ઓગસ્ટે 32.6 ડિગ્રી સાથે પોરબંદર અને 32.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યના સૌથી ગરમ શહેરોમાં સામેલ રહ્યા.હવામાન વિભાગે આજે 15 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

દમણ, દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.લોકોને ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાતા માર્ગો પર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.16 અને 17 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ અને વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.હવામાન વિભાગે માછીમારોને આ બે દિવસ દરમિયાન દરિયો ન ખેડવા અને જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું છે.