હવામાન@ગુજરાત: રાજ્યમાં આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, 70 કિમીની ઝડપથી આવશે આંધી-તોફાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગે કાંઠા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ કન્નડમાં સમુદ્રમાં ઉથલપાથલ, સતત વરસાદ, ભારે પવન અને ઉખડી ગયેલા ઝાડ જોવા મળી રહ્યા છે.ગુજરાતમાં કાલે રાતે અમદાવાદમાં એકાએક હવામાનમાં પલટો જોવા મળ્યો. આંધી સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો. નરોડા, સરદારનગર, કુબેરનગર, શાહીબાગ, સેજપુર બોઘા, મેમ્કો જેવા વિસ્તારોમાં રાત્રે વરસાદ પડ્યો. સવારે 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
નવસારી, વલસાડ, દમણ દાદર અને નગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. 41-61 kmph ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. સુરત, તાપી, ડાંગમાં પણ વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.આગાહીકાર અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રત્નાગિરી આસપાસ સિસ્ટમ. ડિપ્રેશનને કારણે રત્નાગિરી અને કોંકણમાં અતિભારે વરસાદ પડી શકે. 28 થી 31 મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા. દરિયો ભારે તોફાની બનશે. સમુદ્રમાં કરંટ જોવા મળશે. 65-70 કિ.મી ઝડપે પવન રહેવાની શક્યતા. 28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકશાન થઈ શકે છે. 6 જુન સુધીમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે. આ વરસાદથી વાવણી ન કરવી. 21 જુન બાદ વાવણી કરવી.