હવામાન@ગુજરાત: દરિયાકાંઠના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, દ્વારકાની ગોમતી નદીમાં કરંટ જોવા મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે. ડિપ્રેશનના કારણે દરિયાકાંઠના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી આવી છે. ભારે પવન વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આવી છે. આજે ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તો સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સતર્ક થયું છે. જિલ્લાના ઘોઘા બંદર, અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ અને મહુવા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાવચેતીના ભાગ રૂપે જીલ્લાના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જીએમબી એ ભાવનગરના તમામ બંદરો પર સિગ્નલો લગાવામાં સૂચના આપી છે. તકેદારીના ભાગ રૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જુનાગઢ માંગરોળ દરિયામાં કરંટ દેખાયો છે. માંગરોળ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને પરત બોલાવી લેવાયા છે અને નાની હોડીઓએ દરીયામા નહીં જવાની તંત્ર દ્વારા સુચના અપાઈ છે. માંગરોળ બંદરની બે હજાર જેટલી ફીસીગ બોટોને પહેલા જ બોલાવી લેવામાં આવી હતી. માંગરોળ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લાગ્યું લોકોને દરિયા કિનારે નહીં જવા તંત્ર દ્વારા સુચના અપાઈ છે.
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની મોટી અસર જોવા મળી. યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં કરંટ જોવા મળ્યો. ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. નગરપાલિકાની ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તૈનાત કરાઈ છે. પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સહેલાણીઓ મજા માણતા જોવામાં મળ્યા. કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારો ને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી.