હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, સૌથી વધું ક્યાં પડ્યો? જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને જનજીવન પણ પ્રભાવિત થયું છે. ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. તળાજામાં 3.1 ઈંચ અને તલોદમાં 2.7 ઈંચ વરસાદ પડ્યો છે.
જ્યારે અન્ય તાલુકાની વાત કરવામાં આવે તાલાલામાં 3.11 ઇંચ, તલોદમાં 2.7 ઇંચ, વઢવાણમાં 2.09 ઇંચ, નવસારીમાં 2.05 ઇંચ, વિસનગરમાં 2.05 ઇંચ, દાંતીવાડામાં 1.77 ઇંચ, અંકલેશ્વરમાં 1.73 ઇંચ, ઉમરગામમાં 1.65 ઇંચ, ગઢડામાં 1.65 ઇંચ, જલાલપોરમાં 1.46 ઇંચ, સિનોરમાં 1.42 ઇંચ, બાલાસિનોરમાં 1.30 ઇંચ અને ઘોઘામાં 1.30 ઈંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલ અને દરિયામાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સમય માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણ કે આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.