હવામાન@ગુજરાત: 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ નોંધાયો, વલસાડ અને ભરૂચમાં સૌથી વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવીને રાજ્યભરને ભીંજવ્યું છે. સવારના 6:00 વાગ્યાથી આજે સવારે 6:00 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના કુલ 240 તાલુકાઓમાં નાનો-મોટો વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને પંથકને જળબંબાકાર કરી દીધો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 4.45 ઇંચ (113 મીમી) નોંધાયો છે.
ત્યારબાદ ભરૂચના વાલિયા તાલુકામાં 3.82 ઇંચ (97 મીમી) વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓ જેવાં કે નાનાપોંઢા (3.54 ઇંચ) અને ધરમપુર (3.43 ઇંચ) માં પણ ભારે વરસાદ થયો છે.રાજ્યના 16 થી વધુ તાલુકાઓમાં 2 થી 4 ઇંચ વચ્ચે ભારે વરસાદ નોંધાયો છે:
બોટાદ (બરવાળા): 3.39 ઇંચ (86 મીમી)
મહેસાણા (બેચરાજી): 3.35 ઇંચ (85 મીમી), નવસારી (વાંસદા): 3.27 ઇંચ (83 મીમી), વલસાડ (વાપી): 3.11 ઇંચ (79 મીમી), સુરત (ઉમરપાડા): 3.03 ઇંચ (77 મીમી), સુરેન્દ્રનગર (ચૂડા): 2.83 ઇંચ (72 મીમી), નર્મદા (ગરુડેશ્વર): 2.76 ઇંચ (70 મીમી) વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ખેડા જિલ્લાના કપડવંજ અને ખેડા તાલુકામાં 2.56 ઇંચ (65 મીમી) વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં 2.13 ઇંચ (54 મીમી) અને અમદાવાદ સિટીમાં 1.69 ઇંચ (43 મીમી) વરસાદ નોંધાયો છે.

