હવામાન@ગુજરાત: માર્ચના અંતમાં વરસાદ અને મે મહિનામાં વાવાઝોડું ત્રાટકશે, જાણો અંબાલાલ પટેલની આગાહી

 
અંબાલાલ
24 અને 25 માર્ચના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ત્રણ મહિના માટે કરેલી આગાહીએ ખેડૂતો અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો કર્યો છે. માર્ચના અંતમાં કમોસમી વરસાદથી લઈને મે મહિનામાં દરિયાઈ ચક્રવાત સુધીની આગાહી અંબાલાલ પટેલે કરી છે. પશ્ચિમી વિક્ષેપને કારણે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ ડહોળાશે. આગામી 24 અને 25 માર્ચના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ 26 માર્ચથી પવનની ગતિમાં તોતિંગ વધારો થશે, જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

માર્ચના અંતમાં પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની પણ પ્રબળ શક્યતા રહેલી છે. એપ્રિલ મહિનો ગુજરાત માટે મિશ્ર ફળદાયી રહેશે, જેમાં એકબાજુ ગરમી વધશે તો બીજી તરફ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 7 એપ્રિલ સુધીમાં ગરમીનો પારો વધીને તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા છે. ત્યારબાદ 4 થી 8 એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે હવામાનમાં પલટો આવશે. 10 થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના પશ્ચિમ અને ઉત્તર ભાગોમાં વરસાદ પણ પડી શકે છે.

સૌથી વધુ ચિંતાજનક આગાહી મે અને જૂન મહિના માટે છે. તેમણ સમુદ્રમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. તેમની આગાહી મુજબ, 20 મે થી બંગાળની ખાડી સક્રિય થશે અને તેમાં ખતરનાક વાવાઝોડાની શક્યતા રહેલી છે. 20 મે થી 20 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં પણ સાયકલોન સર્જાઈ શકે છે. જો આ ચક્રવાત ઓમાન તરફ ફંટાઈ જશે તો ભારતમાં વરસાદ ઓછો રહેશે, પરંતુ પવનની અસર ચોક્કસપણે વર્તાશે.

આ કમોસમી ફેરફારોને કારણે કૃષિ પાકો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. તેજ પવનને કારણે આંબા પર આવેલા ‘મોર’ ખરી જશે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે. વરસાદ અને પવનને કારણે ખેતરોમાં ઉભો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ શકે છે. એપ્રિલ અને મે માસમાં પાકમાં ઇયળો અને અન્ય રોગો કે જીવાતનો ઉપદ્રવ વધવાની પણ શક્યતા છે. માત્ર ખેતી જ નહીં, પરંતુ વારંવાર બદલાતા આ વાતાવરણને કારણે જન આરોગ્ય પર પણ માઠી અસર પડશે.