હવામાન@ગુજરાત: 30મી જુલાઈથી ફરી વરસાદનું જોર વધશે, 31મીએ અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

 
વરસાદ
એકસાથે 4 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 30મી જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 4 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે ચોમાસાનો આ નવો રાઉન્ડ અત્યંત શક્તિશાળી સાબિત થઈ શકે છે.

31મી જુલાઈએ રાજ્યમાં વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની ભીતિ છે. ત્યારબાદ 1 ઓગસ્ટે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદનું જોર યથાવત રહેશે. આજે અને આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડે તેવું અનુમાન છે.

આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ પંથકની વાત કરીએ તો જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ તેમજ સમગ્ર કચ્છ પંથકમાં મેઘ મહેર જોવા મળશે.