હવામાન@ગુજરાત: આગામી એક સપ્તાહ વરસાદી માહોલ જોવા મળશે, જાણો ક્યાં પડશે વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી એક સપ્તાહ વરસાદી માહોલ જોવા મળશે. ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. ગયા અઠવાડિયે જ ભારે વરસાદના રાઉન્ડ બાદ હવે વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના એંધાણ છે પણ વરસાદનો તોફાની રાઉન્ડ કહેર મચાવશે. ગયા સપ્તાહે ગુજરાત સહિત દેશના અનેક ભાગોને વરસાદે ધમરોળી નાખ્યા. સંભવતઃ ચાલુ ચોમાસાની આ છેલ્લી મોટી સિસ્ટમ હતી. જેમાં ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ નોંધાયો.
વધુ એક આગાહી હવામાન વિભાગે આપી છે.રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે એક સપ્તાહ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવવામાં આવી છે. સાથે જ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. હવામાન વિભાગનું માનવું છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
મહત્વનું છે કે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવવાનું અનુમાન છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ આવશે. ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.