હવામાન@ગુજરાત: 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે, 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહશે. એટલુ જ નહીં 7 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે. આગામી ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે.અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 2 નવેમ્બર સુધી રહેશે. બીજી સિસ્ટમ 5 નવેમ્બરથી સક્રિય રહેશે.
7 નવેમ્બર આસપાસ બંગાળ સાગરમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જે દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાના કારણે માવઠું પડશે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ગુજરાતના હવામાન પર વિવિધ પરિબળોની અસર રહેશે. દરિયામાં અવારનવાર બનતા લો પ્રેશરના કારણે હવામાનમાં પલટો આવશે. ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણના બગાડ સહિતના પરિબળો વાતાવરણને અસર કરી રહ્યા છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ઋતુચક્ર બદલાતા ખેડૂતોની પાયમાલી થઈ છે. મગફળી, કઠોળ, કપાસ સહિતના પાક ને નુકસાન થયું છે. નવેમ્બરના શરૂઆત બાદ શિયાળુ પાકની વાવણી શરૂઆત થશે. 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે. રાજ્યમાં આ વર્ષે કાતિલ ઠંડી પડવાની છે.ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે.

