હવામાન@ગુજરાત: રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે, આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
8-9 ઓગસ્ટે વરસશે ભારે વરસાદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 7 ઓગસ્ટે એટલે કે આજે દક્ષિણ ગુજરાત સહિત અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
9 ઓગસ્ટે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ યથાવત્ રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી 480.9 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સરેરાશ 416 મિલીમીટર કરતાં 16 ટકા વધુ છે.

