હવામાન@ગુજરાત: રાજકોટ 46.2 ડિગ્રી સાથે આગની ભઠ્ઠીમાં ફેરવાયું, આ વિસ્તારોમાં હિટવેવની આગાહી

 
હવામાન
રાજકોટ, સૌરાષ્ટ્ર અને મોરબીમાં હિટવેવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ગરમીનો પારો 46 ડિગ્રીની સપાટી વટાવી ચુક્યો છે. જ્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હિટવેવની આગાહી પણ કરી હતી. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં મેની શરુઆતમાં વાતાવરણમાં પલટાની આગાહી કરી છે.મે મહિનાની શરુઆત બે દિવસમાં થઈ જશે ત્યારે ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. તાપમાનના ઉચકાતા પારા વચ્ચે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી વટાવી ગયું હતું.

ગુજરાતમાં 32.5 ડિગ્રીથી લઈને 46.2 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં તાપમાન વધવાની સાથે અમદાવાદમાં પણ ગરમીનો પારો વધ્યો હતો. અમદાવાદમાં બપોરના સમયે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હતા. ગરમ પવનોના કારણે રસ્તા ઉપર લોકોની અવરજવર ઓછી થઈ હતી. લોકોએ કામ વગર ગરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. અમદાવાદમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં ગાંધીનગરમાં 43.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ગરમી વધી રહી છે. ઉનાળો પોતાની ચરમ સીમા ઉપર પહોંચી ગયો છે ત્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હિટવેવની આગાહી કરી હતી.