હવામાન@ગુજરાત: અમદાવાદ સહિત સાત જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, સૌથી વધું નડિયાદમાં 10.43 ઈંચ ખાબક્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરીથી વરસાદની સિસ્ટમ એકદમ સક્રિય થઈ ગઈ છે. શનિવાર મોડી રાતથી જ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરુ થયો હતો. ત્યારે રવિવારે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં હળવાથી અતિભારે વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો આખા ખેડામાં મેધા ધબધબાટી બોલાવી હતી. ખાસ કરીને રાજ્યનો સૌથી વધારે વરસાદ નડિયાદમાં 10.43 ઈંચ નોંધાયો હતો.રવિવારના દિવસે મેઘરાજાએ ખેડા જિલ્લામાં ધબધબાટી બોલાવી હતી. ખેડા જિલ્લામાં 2.50 ઈંચથી લઈને 10.50 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં 10.43 ઈંચ વરસાદ નોંધાયો હતો.
27 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં બે તાલુકામાં 10 ઈંચ ઉપર વરસાદ નોંધાયો હતો. જ્યારે 5 તાલુકા એવા છે જેમાં 5 ઈંચથી લઈને 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સોમવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં વરસાદનું રેડ એલર્ડ આપ્યું છે.