હવામાન@ગુજરાત: ગાંધીનગર-અમદાવાદ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ, આજે ગરમી ભુક્કા બોલાવશે

 
ગરમી
આગામી બે દિવસ ગરમીનો પારો ઊંચકાવવાની સંભાવના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં જ તાપમાનનો પારો ઊંચો આવી ગયો છે. ગુજરાતીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હજી બે દિવસ તાપમાન ઊંચુ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે બાદ ફરીથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચો જાય તેવી આશંકા છે. ત્યારે આજે એટલે કે, 11મી માર્ચના રોજ મંગળવારે નવ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યમાં આજે 11 માર્ચે નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 12 માર્ચે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જે બાદ તાપમાન નીચે જાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 2-3 દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે સોમવારે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં તીવ્ર ગરમી અને સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું.

11 માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પારો ઊંચકાવવાની સંભાવના છે. ત્યારે 12 માર્ચ, 2025ના રોજ રાજ્યના ચાર જિલ્લામાં હીટવેવની ચેતવણીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.