હવામાન@ગુજરાત: આ વિસ્તારોમાં રેડ એલર્ટ, ક્યાં કેટલું તાપમાન નોંધાયું? જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ગરમીએ પોતાનું અસલી રૂપ પણ દેખાડવાનું શરૂ કરી દીધું છે. ગરમી વધતાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રસ્તાઓ પર અવર જવર પણ ઓછી થવા લાગી છે. બપોરના સમયમાં અંગ દઝાડતી ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં ગરમીએ 42 ડિગ્રીની સપાટી વટાવી લીધી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અને કચ્છા વિસ્તારોમાં રેડ એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ ગરમી અંગે આગાહી કરી છે.
હવામાન વિભાગે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદ, રાજકોટ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ જૂનાગઢ, અમરેલી, બોટાદ અને ભાવનગર અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્જ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં 32 ડિગ્રીથી લઈને 42.1 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ઓખા, વેરાવળમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. ગુજરાતમાં ગરમી વધાવની સાથે અમદાવાદમાં પણ ગરમીએ માથું ઉચક્યું છે. શહેરમાં ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાને 40 ડિગ્રીની સપાટી વટાવી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.