હવામાન@ગુજરાત: સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીનો અનુભવ, નલિયા અને અમરેલી રાજ્યમાં સૌથી ઠંડા

 
હવામાન
મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પવનોની દિશા બદલાઈને ઉત્તર-પૂર્વીય થતા જ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો તેજ બન્યો છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ, આગામી 24 કલાકમાં તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે ઠંડીનું જોર વધી શકે છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અનુભવ થયો છે. નલિયા અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી નીચું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લીધે અત્યારે રાજ્યમાં 'બેવડી ઋતુ' જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે હવે ઠંડી પ્રભાવી બની રહી છે.અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. આગામી થોડા દિવસોમાં આ શહેરોમાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રીની આસપાસ રહેશે. પવનની બદલાતી દિશાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, પવનોની ગતિમાં ફેરફાર થતા આગામી દિવસોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે છે. સામાન્ય રીતે ડિસેમ્બરના અંતમાં હાડ થીજવતી ઠંડી પડતી હોય છે. હાલમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમને કારણે લોકોને ઠંડીથી થોડી રાહત મળી હતી, પરંતુ પવનોની દિશા બદલાતા ફરીથી ઠંડીમાં વધારો થયો છે.