હવામાન@ગુજરાત: 24 કલાકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો? આ જિલ્લામાં આગાહી

 
વરસાદ
જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે ફરીવાર ઘેડ પંથક જળબંબાકાર થયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાય છે. જેમાં બોટાદમાં 1 ઈંચથી વધુ, દસાડામાં દોઢ ઈંચ અને ટંકારામાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ 11મી,12મી અને 13મી જુલાઇએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે ફરીવાર ઘેડ પંથક જળબંબાકાર થયો છે. બામણાસા નજીક ઓઝત નદીનું પાણી ખેતરોમાં ફરી ઘૂસી ગયા હતા. હજુ થોડા દિવસ પહેલા ઘેડ પંથકમાં પ્રસરેલા પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા હતા એવામાં ફરી પાણી ઘૂસી જતા સ્થાનિકો તથા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.