હવામાન@ગુજરાત: રાજ્યમાં ભયંકર ગરમી ભુક્કા બોલાવશે, આ જિલ્લામાં હિટવેવને લઈ યલો એલર્ટ

 
હવામાન
12 જિલ્લાઓનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી હિટવેવ રહેવાની ગંભીર આગાહી કરી છે, જેના કારણે નાગરિકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ રહેશે.ખાસ કરીને ભાવનગર જિલ્લામાં આગામી બે દિવસ હિટવેવની પ્રબળ શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં હિટવેવને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, ગરમ ભેજવાળું વાતાવરણ રહેવાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના 12 જિલ્લાઓનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચી જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસમાં વાતાવરણમાં 3-5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તો અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાય તેવી શક્યતા છે. ​​​બીજી તરફ અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં દેશ સહિત ગુજરાતમાં વાતવરણમાં ફરી એકવાર પલટો આવશે. રાજ્યમાં 16 થી 20 માર્ચ અને 24 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવી શકે છે.