હવામાન@ગુજરાત: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, કચ્છનું નલિયા 10.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર

 
હવામાન
દરમિયાન ઉત્તર ભારતમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રી રહેવાની શક્યતા છે.દિવસે લઘુતમ તાપમાન 30થી 32 ડિગ્રી પહોંચી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તથા સુરતમાં 22 ડિગ્રી, વડોદરામાં 20.4 ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં 17 ડિગ્રી, નલિયામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં કચ્છનું નલિયા 10.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. તેમજ પોરબંદરમાં 11 ડિગ્રી, અમરેલીમાં 11.6 ડિગ્રી અને ઉત્તર ગુજરાતના ડીસામાં 11.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આગામી સપ્તાહ ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર થઇ શકે છે.રાજ્યમાં હાલ બેવડી ઋતુનો માહોલ જામ્યો છે, જેમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરો તડકો પડી રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં દેશમાં એક પછી એક એમ કુલ 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની ભીતિ સેવાઈ રહી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડી શકે છે. વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેને પગલે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કમોસમી વરસાદ અથવા માવઠું થવાના સંકેત મળી રહ્યા છે.

આગામી એક સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. પહાડો પર થતી આ હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ વર્તાશે. ઉત્તર-પશ્ચિમી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે.