હવામાન@ગુજરાત: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, નલિયામાં સૌથી નીચું તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું

 
હવામાન
કચ્છ વિસ્તારમાં ઠંડીનું જોર વધુ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડકનો અહેસાસ થાય છે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. શહેરીજનોને આ બદલાતા હવામાનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં 9.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે કંડલા એરપોર્ટ પર 12.7 ડિગ્રી તાપમાન રહ્યું. આ તાપમાનના આંકડા દર્શાવે છે કે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ઠંડીનુંજોર વધુ છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન તુલનાત્મક રીતે વધારે રહ્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો લગભગ યથાવત રહેવાને કારણે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે અપેક્ષિત ઠંડકનો અનુભવ નથી થઈ રહ્યો. શુક્રવારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીથી ઘટીને 18.02 ડિગ્રી થયું, જેના કારણે રાત્રે 0.8 ડિગ્રીનો ઘટાડો થયો અને ઠંડકમાં વધારો નોંધાયો. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 39 ટકા રહ્યું છે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો, 25 ડિસેમ્બરે 32.08 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે પહેલાં 31.02 ડિગ્રી હતું. આનાથી દિવસની ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગ અનુસાર , સતત ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો ફરી વધવાની શક્યતા છે. ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનો ગુજરાતને અસર કરી રહ્યા છે.