હવામાન@ગુજરાત: પવનની દિશા બદલાતા રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં હાલ શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેમ વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. પવનની દિશા બદલાવાને કારણે રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ શહેરોમાં જેમ કે કંડલા અને ભુજમાં 33.6°C, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 33.0°C, ડીસામાં 32.8°C, ગાંધીનગરમાં 32.7°, સુરતમાં 31.1°C. તાપમાન નોંધાયું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે.26 થી 28 ફેબ્રુઆરીએ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની શક્યતા.હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષે શિયાળો ખાસ જામ્યો નથી, જેના પાછળના મુખ્ય કારણો હિમાલયમાં આ વખતે મજબૂત પશ્ચિમી વિક્ષેપ સર્જાયા નથી, જેના કારણે ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનોનું જોર ઓછું રહ્યું છે.
પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટનાને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હૂંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને લીધે લઘુત્તમ તાપમાનમાં જોઈએ તેવો ઘટાડો થયો નથી.અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં છેલ્લા 15 વર્ષની સૌથી ઓછી ઠંડી આ વર્ષે નોંધાઈ છે. વર્ષ 1954માં 10 જાન્યુઆરીએ 3.9 ડિગ્રીનો રેકોર્ડ નોંધાયો હતો, જેની સરખામણીએ આ વર્ષે ઠંડીનું પ્રમાણ નહિવત રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી આબોહવાને કારણે હવે ફેબ્રુઆરીના અંતથી જ લોકોને ઉનાળા જેવી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે

