હવામાન@ગુજરાત: ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં આગાહી

 
વરસાદ
સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશી અને રાહતની લાગણી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. તાલાલા શહેર તેમજ આસપાસના ગીર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે 3:30 વાગ્યાના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જ અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા.

ચોમાસાની વિદાય પૂર્વે વરસેલા આ વરસાદથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશી અને રાહતની લાગણી પ્રસરી ગઈ છેતાલાલા ગીર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભાદરવા મહિનાની શરૂઆતમાં વરસાદ પડ્યા બાદ લાંબા સમયથી હવામાન એકદમ સૂકું રહ્યું હતું. હાલમાં હાથિયા નક્ષત્રનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે જ વરસાદ વરસતા ધરતીપુત્રો માટે આ કાચું સોનું સાબિત થયું છે. વરસાદ ખેંચાતાં ખેડૂતો પોતાના મગફળી, કપાસ, સોયાબીન, શેરડી તેમજ શાકભાજી જેવા ઊભા પાકને પિયત આપવાની તૈયારી કરી રહ્યા હતા. બરાબર એ જ સમયે મેઘરાજાનું પુનરાગમન થતાં ખેતીના પાકને નવું જીવન મળ્યું છે અને પિયતનો મોટો ખર્ચ બચી ગયો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત અને તેની આસપાસના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ સિસ્ટમની અસર હેઠળ આજે 1 ઓક્ટોબર એમ બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

બીજી તરફ રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની પરત યાત્રા પણ શરૂ થઈ ચૂકી છે. કચ્છના નલિયાથી લઈને ઉત્તર ગુજરાતના ડીસા સુધીના પટ્ટામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને આગામી 2 થી 3 દિવસમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ વિધિવત ચોમાસું વિદાય લેશે.રાજ્યમાં સરેરાશ 711.9 મિમિ (28.02 ઈંચ) સામાન્ય વરસાદ સામે વાસ્તવમાં 637 મિમિ (25.07 ઈંચ) વરસાદ જ વરસ્યો છે, જેથી રાજ્યમાં હજુ પણ 11% વરસાદની સરેરાશ ઘટ પ્રવર્તે છે.આ વિસ્તારમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. સામાન્ય રીતે 539.9 મિમિ (21.25 ઈંચ) વરસાદની જરૂરિયાત સામે માત્ર 411.2 મિમિ (16.18 ઈંચ) વરસાદ નોંધાયો છે, જેના પરિણામે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ રીજનમાં 24% જેટલી મોટી વરસાદી ખાધ જોવા મળી રહી છે.