હવામાન@ગુજરાત: સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક મોટો પલટો, ગાજવીજ સાથે વરસાદ

 
હવામાન

ગાજવીજ અને પવનના સુસવાટા સાથે અણધાર્યા વરસાદી ઝાપટાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે પોરબંદર, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બપોર બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. છેલ્લા 10 દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ સહન કરી રહેલા લોકોને આ માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં ગરમીમાંથી મોટી રાહત મળી છે. આ કમોસમી વરસાદ ધરતીપુત્રો માટે ચિંતાની નવી આફત લઈને આવ્યો છે. ખેતરોમાં લણણી કરીને રાખેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર પછી વાતાવરણ પલટાયું હતું અને બરડા પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો.ખાસ કરીને સોઢાણા, અડવાણા, સીમર અને રાજીવાડા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં.હાલમાં ખેતરોમાં મગફળીનો પાક ઉપાડવાની તડામાર કામગીરી ચાલી રહી છે, ત્યારે જ અચાનક વરસેલા વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી જતાં ભારે આર્થિક નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ અચાનક મોસમે મિજાજ બદલ્યો હતો. ભાણવડ આસપાસના ગ્રામીણ વિસ્તારો સહિત ગુંદા ગામમાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું.અચાનક આવેલા આ વરસાદી માહોલના પગલે સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને બફારામાંથી મુક્તિ મળી હતી. ખેતરોમાં તૈયાર થયેલા પાક વચ્ચે વરસાદ પડતાં અહીંના ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

કચ્છ જિલ્લામાં પણ મોડી સાંજે હવામાનમાં પલટો નોંધાયો હતો. મુન્દ્રા તાલુકાના મોખા ટોલનાકા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. કચ્છમાં છેલ્લા 10 દિવસથી લોકો કાળઝાળ ગરમી અને ભારે ઉકળાટથી ત્રસ્ત બન્યા હતા. વરસાદી છાંટા પડતાં જ સમગ્ર વિસ્તારમાં શીતળ પવન ફૂંકાવા લાગ્યો હતો.