હવામાન@ગુજરાત: 8 જિલ્લામાં તાપમાન 38 ડિગ્રીને પાર, જાણો કયા કેટલું તાપમાન નોંધાયું

કેટલાક જિલ્લાઓમાં હિટવેવની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ગરમી ધીરે ધીરે જોર પકડી રહી છે અને રાત્રે થોડી-થોડી ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. 8 જિલ્લામાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટમાં સૌથી વધુ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયું છે. ગરમીનો રાઉન્ડ શરૂ થશે સાથે સાથે રાજ્યમાં ગરમીનો પારો 37 થી 38 રહેવાનું અનુમાન છે. આગામી 5 દિવસમાં તાપમાન 3થી 5 ડિગ્રી વધશે તો 9 થી 11 માર્ચ દરિયાકાંઠે ગરમ, ભેજવાળા પવન ફૂંકાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદવાદમાં 38.2 ડિગ્રી, ગાંધીનગરમાં 38.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી, કેશોદમાં 38.8 ડિગ્રી,અમરેલીમાં 38.8 ડિગ્રી, ભુજમાં 38.7 ડિગ્રી, ડીસામાં 38.4 ડિગ્રી, વડોદરામાં 37.6 ડિગ્રી,સુરતમાં 37.2 ડિગ્રી, નલિયામાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હિટવેવની આગાહી આપી છે. જેમાં કચ્છ અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 10 અને 11 તારીખે કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચાલુ અઠવાડિયાની શરુઆતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો થતાં ઠંડી પાછી આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ આ પછી ધીમે-ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાનું શરુ થયું હતું.
આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુંમાન હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એન્ટિસાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાવાના શરૂ થશે. હવામાન વિભાગના આંકડા મુજબ કાશ્મીરમાં હિમવર્ષા અને ઉત્તરપૂર્વના પવનોને કારણે છેલ્લા 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.