હવામાન@ગુજરાત: પાંચથી વધુ જિલ્લાઓમાં તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર, હજુ પણ ગરમીનું જોર વધવાની આગાહી
રાજકોટ 39.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આગામી દિવસોમાં ગરમ પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં હજુ પણ વધારો થશે. હાલમાં સૌરાષ્ટ્રનું હબ ગણાતું રાજકોટ 39.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.રાજ્યના પાંચથી વધુ જિલ્લાઓમાં તાપમાનનો પારો 38 ડિગ્રીને વટાવી ગયો છે. આગામી 90 દિવસ સુધી મેદાની અને અંતરિયાળ વિસ્તારોમાં આકરી ગરમી અને લૂ લાગવાની શક્યતાઓ સેવાઈ રહી છે. માર્ચ મહિનામાં ગુજરાતમાં હીટવેવના દિવસો સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માર્ચમાં ક્યાંક હળવો વરસાદ પણ પડી શકે છે, પરંતુ એકંદરે દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે.
ગુજરાતમાં હવામાનના મિજાજમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પડતી પરંપરાગત ઠંડી આ વર્ષે ગાયબ જોવા મળી હતી.ગત વર્ષે ડિસેમ્બરમાં નલિયામાં પારો 22 વખત 10 ડિગ્રીથી નીચે ગયો હતો, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત જ પારો ગગડ્યો છે.આ સૂચવે છે કે ઠંડીના દિવસો ઘટી રહ્યા છે અને ગરમીનું સામ્રાજ્ય વહેલું ફેલાઈ રહ્યું છે.માર્ચની શરૂઆત પહેલા જ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને પંજાબ જેવા રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. લોકો અત્યારથી જ એપ્રિલ-મે જેવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે.

