હવામાન@ગુજરાત: રાજ્યના 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર, હજુ બે દિવસ અંગ દઝાડતી ગરમીની ચેતવણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે, જેમાં 44.1 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અંગ દઝાડતી ગરમી અને લૂના કારણે લોકોના હાલ બેહાલ થયા છે.હવામાન વિભાગ દ્વારા હજુ આગામી બે દિવસ સુધી આવી જ ભીષણ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાઓ માટે ગંભીર સ્થિતિને જોતા ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલા તાપમાનના આંકડા જોઈએ તો ગાંધીનગરમાં 43.8 ડિગ્રી, અમરેલીમાં 43.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય કંડલા પોર્ટમાં 43 ડિગ્રી, ડીસામાં 42.2 ડિગ્રી, ભુજમાં 39.8 ડિગ્રી અને પોરબંદરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને ઘરની અંદર રહેવાનું પસંદ કરી રહ્યા છે.ભીષણ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં 16 મે બાદ ગરમીના જોરમાં ક્રમશઃ ઘટાડો થશે. આગામી દિવસોમાં ગરમીનું જોર ઘટતા લોકોને રાહત મળશે. સૌથી મહત્વની વાત એ છે કે, અંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 23 થી 28 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને જૂન મહિનાના અંત સુધીમાં મેઘરાજાનું વિધિવત આગમન થશે.

