હવામાન@ગુજરાત: મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, 22 જિલ્લામાં લૂ નું એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, ટૂંક સમયમાં કેટલાક પ્રદેશોમાં તીવ્ર ગરમી પડશે. 18 માર્ચથી 20 માર્ચ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળી સ્થિતિ રહેશે. આ તીવ્ર ગરમી માર્ચ દરમિયાન ચાલુ રહેવાની ધારણા છે. એપ્રિલમાં કમોસમી વરસાદ પડી શકે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હાલમાં રાજ્યમાં પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે. જોકે, ટૂંક સમયમાં તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. 19 એપ્રિલ પછી, ગરમી વધુ તીવ્ર બની શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં તીવ્ર ગરમી ચાલુ રહેવાની શક્યતા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દીવમાં પણ ગરમીનું એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિઓને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અગવડતાનો સામનો કરવો પડી શકે છે.
આ મહિના દરમિયાન ભારે પવન અને ચક્રવાત સાથે કમોસમી વરસાદની શક્યતા છે.14 એપ્રિલથી જોરદાર પવન શરૂ થઈ શકે છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 19, 20 અને 21 એપ્રિલે ઉચ્ચ તાપમાન જોવા મળી શકે છે. 26 એપ્રિલ ખાસ કરીને ગરમ હોઈ શકે છે.અમરેલી, ભરૂચ, જૂનાગઢ, તાપી અને વડોદરા જેવા ઘણા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આણંદ, બોટાદ, છોટા ઉદેપુર, ખેડા, મહિસાગર, નર્મદા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, મોરબી, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગર સહિતના અન્ય જિલ્લાઓમાં મહત્તમ તાપમાન લગભગ 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.