હવામાન@ગુજરાત: 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા, દરિયાકાંઠે ગરમ પવનો ફૂંકાશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાન અને પાકિસ્તાન પર સક્રિય થયેલી ચક્રીય સિસ્ટમોને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી વધશે, જ્યારે 11મી એપ્રિલથી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને લીધે લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડશે.
આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ રાજ્યભરમાં ગરમીનો પારો 2 થી 4 ડિગ્રી જેટલો ઊંચો જઈ શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે 'ડિસ્કમ્ફર્ટ કન્ડિશન'ની આગાહી કરી છે. 11 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાને કારણે લોકોને ભારે ગભરામણ અને બફારાનો સામનો કરવો પડી શકે છે.
અમદાવાદમાં આજે આકાશ આંશિક રીતે વાદળછાયું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેતા બપોરના સમયે ગરમીનો અનુભવ થશે. વાદળછાયા વાતાવરણને કારણે બફારો વધવાની પણ શક્યતા છે.હાલમાં વાતાવરણમાં એકસાથે ત્રણ સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે. નૈઋત્ય રાજસ્થાન અને તેની આસપાસના પાકિસ્તાન પર 1.5 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. બીજી તરફ, ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી ઊંચાઈ પર પવનોની ચક્રીય ગતિ જોવા મળી રહી છે.

