હવામાન@ગુજરાત: રાજ્યમાં તાપમાન 45.5 ડિગ્રીએ પહોંચ્યું, અનેક શહેરોમાં યલો એલર્ટ

 
Tapman
સુરેન્દ્રનગર અને કંડલામાં સૌથી વધું તાપમાન નોંધાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સવારથી આકરો સૂર્ય પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં આજે હીટવેવના પગલે ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. વડોદરા, સુરત, આણંદ, બોટાદ, રાજકોટ અને દ્વારકામાં પણ ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.5 ડિગ્રી અને કંડલામાં 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં 44.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ડીસામાં 43.5 ડિગ્રી જ્યારે વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં બપોર દરમિયાન બહાર ન નીકળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે.