હવામાન@ગુજરાત: રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40°Cને પાર, રાજકોટ 41.9°C સાથે સૌથી ગરમ શહેર

 
તાપમાન

બે દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ઉનાળાએ તીવ્ર રૂપ ધારણ કર્યું છે અનેક શહેરોમાં તાપમાન 40°Cને પાર પહોંચી ગયું છે. ખાસ કરીને રાજકોટ 41.9°C સાથે સૌથી ગરમ શહેર તરીકે સામે આવ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર એ છે ક આવતા બે દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી સતત વધી રહી છે. રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં તાપમાન 40°Cથી વધુ નોંધાયું હતું.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ટૂંક સમયમાં ફેરફાર જોવા મળશે.આ માવઠા રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાત્કાલિક રાહત આપી શકે છે, ખાસ કરીને ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ બની શકે છે. હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર જોવા નહીં મળે. તાપમાન 40થી 42°C વચ્ચે જ રહેશે. પરંતુ ત્યારબાદ 2થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. આથી લોકો માટે થોડી રાહત અનુભવાશે.

ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ પવનો ફૂંકાતા ભેજવાળું વાતાવરણ રહેશે, જેના કારણે ગરમી સાથે બફારો પણ અનુભવાશે. દેશના અનેક રાજ્યોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી લૂની સ્થિતિ છે. મુજબ 20 એપ્રિલ સુધી આ વિસ્તારોમાં ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે. તાપમાન 40થી 44°C વચ્ચે રહેવાની આગાહી છે.