હવામાન@ગુજરાત: ગરમીનો પારો ઉચકાયા બાદ તાપમાનમાં ઘટાડો, ભારેથી અતિભારે વરસાદની આગાહી

 
હવામાન
રાજ્યમાં 32.6 ડિગ્રીથી લઈને 40.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં એક દિવસ ગરમીનો પારો ઉચકાયા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો થયો હતો. એક તબક્કે 43 ડિગ્રી ઉપર વટાવેલું તાપમાન 40 ડિગ્રી આસપાસ આવી ગયું છે. હવામાન વિભાગે સાત દિવસની વરસાદની આગાહી પણ કરી છે. જેમાં બે દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદની પણ આગાહી કરી છે.હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે.

આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રનાના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે 16 જૂનથી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુરુવારે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. શુક્રવારના દિવસે રાજ્યમાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટીને 40.6 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. રાજ્યમાં 32.6 ડિગ્રીથી લઈને 40.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું.