હવામાન@ગુજરાત: 24 કલાક બાદ તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી શકે, રાજ્યમાં ઠંડી જમાવટ કરશે

 
હવામાન
નલિયામાં અને અમરેલીમાં સૌથી ઓછું 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત આગામી 24 કલાક દરમિયાન ઠંડી જમાવટ કરે તેવી શક્યતા છે. હાલ રાત્રે અને વહેલી સવારે કેટલાક ભાગોમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હજી પણ કેટલાક ભાગોમાં જોઇએ તેવી ઠંડી વર્તાઇ રહી નથી. ત્યારે હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.જોકે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જેને પગલે હાલ જે ઠંડી વર્તાઇ રહી છે તેના કરતા વધુ ઠંડી આગામી દિવસોમાં ગુજરાતમાં અનુભવાઇ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વધુ તીવ્ર બની 'વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોર્મ'માં ફેરવાશે અને 20 નવેમ્બરે આંધ્રપ્રદેશ તથા યાનમ કિનારે ટકરાશે.

આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ રાત્રીનું તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેના પગલે હાલ જે ઠંડી રાત્રે અને વહેલી સવારે અનુભવાઇ રહી છે તેમાં ચમકારો જોવા મળી શકે છે. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો બદલાવ જોવા મળ્યો નથી. 18.6 ડિગ્રી સાથે નલિયા અને અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

બંગાળની ખાડીમાં દક્ષિણપૂર્વ અને તેને અડીને આવેલા દક્ષિણપશ્ચિમ વિસ્તારોમાં આ સિસ્ટમ વધુ મજબૂત બની છે અને ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ છે. તે છેલ્લા 6 કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થશે. આવતીકાલે વધુ તીવ્ર બનીને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. ત્યારબાદ આ સિસ્ટમ વધુ શક્તિશાળી બનશે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે. 20 નવેમ્બરના રોજ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠાના નેલ્લોર અને ટુની વચ્ચેથી પસાર થશે. એ સમયે પવનની ઝડપ 120થી 145 કિ.મી. પ્રતિ કલાકની રહી શકે છે. આ વાવાઝોડાની અસરના પગલે તમિલનાડુ, પુડુચેરી, કારાઇકલ, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાયલસીમા, તેલંગણા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, વિદર્ભ અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.ગઇકાલે 16 નવેમ્બરના રોજ રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં અને અમરેલીમાં સૌથી ઓછું 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ વડોદરામાં 19.4, મહુવામાં 19.9, સુરતમાં 20, ગાંધીનગરમાં 20.5, કેશોદમાં 21.2, અમદાવાદમાં 21.2, પોરબંદરમાં 21.5, ભાવનગરમાં 21.6, રાજકોટમાં 21.7, ડીસામાં 21.8, ભુજમાં 22.2, વેરાવળમાં 22.7, સુરેન્દ્રનગરમાં 22.8, કંડલા પોર્ટમાં 23.3, દ્વારકામાં 24.2 અને ઓખામાં 25.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો ગઇકાલે 16 નવેમ્બર 2026ના રોજ 36.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ ભુજમાં 36 ડિગ્રી, રાજકોટમાં 35.9, ડીસામાં 35.5, કેશોદમાં 34.6, કંડલા પોર્ટમાં 34.5, અમરેલીમાં 34.5, સુરેન્દ્રનગરમાં 34.5, વલ્લભ વિદ્યાનગરમાં 34.1, વડોદરામાં 34, સુરતમાં 33.9, મહુવામાં 33.6, અમદાવાદમાં 33.5, ગાંધીનગરમાં 33.5, પોરબંદરમાં 33, ભાવનગરમાં 32.7, વેરાવળમાં 32.7, દ્વારકામાં 31.4, ઓખામાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની શક્યતા છે.

શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.રાજકોટમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આજે સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહી શકે છે.સુરતમાં આજે મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે.વડોદરામાં આજે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.