હવામાન@ગુજરાત: 16 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું, આજ રાતથી ઠંડીનું જોર વધશે

 
ઠંડી
રાત્રિના અને વહેલી સવારના સમયે ઠંડીનું પ્રમાણ વધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમા સીઝનમાં પહેલીવાર 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે, નલિયામાં સૌથી ઓછું તાપમાન 16.2 ડિગ્રી, રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદે હવે વિદાય લીધી છે અને શિયાળો શરુ થઇ ગયો છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યનું વાતાવરણ બદલાયું છે અને ધીમે ધીમે ઠંડીની શરુઆત થઇ ગઇ છે. ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.

ગુજરાતના તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં 16.5 ડિગ્રી, ડીસા 16.3 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, અમરેલીમાં 16.6 ડિગ્રી, કંડલામાં 17 ડિગ્રી, મહુવામાં 18.1 ડિગ્રી, રાજકોટમાં 18.5 ડિગ્રી, ભુજમાં 18.8 ડિગ્રી, સુરતમાં 19.8 ડિગ્રી, દમણમાં 20 ડિગ્રી, પોરબંદરમાં 19.6, સુરેન્દ્રનગરમાં 19 ડિગ્રી, દીવમાં 20.8 ડિગ્રી, કેશોદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આજ રાતથી ઠંડીનું જોર વધશે. રાજ્યમાં આજથી ઠંડીના ચમકારાની આગાહી કરાઇ છે અને પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.

પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડી વધશે ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે, ઠંડા પવનના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટશે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા કમોસમી વરસાદના માહોલમાંથી હવે રાહત મળી છે. વરસાદી સિસ્ટમ દૂર થતાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાશે. આગામી દિવસોમાં રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, જે શિયાળાની ઋતુના આગમનનો સંકેત આપે છે.કમોસમી વરસાદ બંધ થતાં, હવામાન સૂકું અને ઠંડુ બનશે.