હવામાન@ગુજરાત: રાજ્યમાં ગરમીનો પારો ફરી ચઢ્યો, સુરેન્દ્રનગર 43.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

 
તાપમાન
ભેજવાળા ગરમ પવનના કારણે બફારો વધ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં સુરેન્દ્રનગર 43.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી અને અમરેલીમાં 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકરા ઉનાળાનો અનુભવ થયો. અમદાવાદમાં 24 કલાકમાં 1.6 ડિગ્રીનો વધારો નોંધાયો હોવાની માહિતી પણ સામે આવી છે.આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આકાશ મુખ્યત્વે સાફ રહેવાની અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

અમદાવાદમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ 52 ટકા હતું, જે સાંજે ઘટીને 19 ટકા થયું. દિવસ દરમિયાન સૂકી ગરમી અને સાંજ પછી બફારાની સ્થિતિને કારણે નાગરિકોને વધુ તકલીફનો સામનો કરવો પડ્યો.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં અલગ-અલગ સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.