હવામાન@ગુજરાત: આજથી ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે, ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે?

 
હવામાન
40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઝંઝાવાતી પવનની ચેતવણી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજથી ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી જેટલો નીચે જશે, જેના કારણે લોકોને અસહ્ય લૂમાંથી મુક્તિ મળશે. હાલમાં અમદાવાદ 43.1 ડિગ્રી અને ભાવનગર 42.7 ડિગ્રી સાથે સૌથી ગરમ નોંધાયા છે, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાત તરફથી આવી રહેલી વરસાદી સિસ્ટમને કારણે તાપમાન ઝડપથી ઘટશે.તાપમાનમાં ઘટાડાની સાથે જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે 30 મે થી ૪ જૂન સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ પ્રિ-મોન્સૂન સિસ્ટમ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક જેટલી આકરી રહેવાની શક્યતા છે.

આજે 30 મે ના રોજ સરહદી કચ્છ, બનાસકાંઠા, પાટણ તેમજ પૂર્વ પટ્ટીના પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સાંજના સમયે વાતાવરણ પલટાશે અને ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.વાતાવરણનો આ પલટો આગામી દિવસોમાં વધુ મજબૂત બનશે. 31 મે ના રોજ મહેસાણા અને સાબરકાંઠા સહિતના વિસ્તારો પલળશે. જ્યારે 1 જૂનના રોજ ચોમાસા પૂર્વેની આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં લંબાશે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે. આગામી 2 જૂનના રોજ આ સિસ્ટમ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પણ આવરી લેશે.

હવામાન વિભાગે માછીમારો અને ખેડૂતોને આ તીવ્ર પવન અને ગાજવીજ દરમિયાન સાવચેત રહેવા અને ખેત પેદાશોને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા ખાસ સૂચના આપી છે.30 મેથી 31 મે વરસાદની શરૂઆત થશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર તેમજ ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 31 મેથી 1 જૂન ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ (બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર)માં થોડા સ્થળોએ અને દક્ષિણ ગુજરાત તથા ગીર સોમનાથ-દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે.