હવામાન@ગુજરાત: આગામી 3 દિવસ તાપમાનનો પારો ગગડશે, લોકો ઠંડીમાં ઠૂંઠવાશે, માવઠાની પણ આગાહી

 
આગાહી

14થી 18 જાન્યુઆરીમાં વાદળો આવવાની અથવા તો માવઠું પણ થઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં 14 અને 15મી જાન્યુઆરીએ લોકો ધામધૂમથી ઉત્તરાયણનો તહેવાર ઉજવશે ત્યારે આ બધાની વચ્ચે હવામાનને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. આગાહી છે કે, આ દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. વાતાવરણમાં ભર શિયાળે મોટો પલટો આવવા જઈ રહ્યો છે.હવામાન વિભાગની પ્રમાણે, આગામી ત્રણ દિવસ તાપમાનનો પારો ગગડશે અને લોકો ઠંડીમાં ઠૂંઠવાશે સાથે જ માવઠું પણ થશે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે પવનો ફૂંકાશે, હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત પર ફરી સંકટના વાદળો ઘેરાયા છે. માવઠાની આગાહી સાથે ખેડૂતોની પણ ચિંતા પેઠી છે. રાજ્યમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠુ થશે. આગામી તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો છવાશે અને માવઠું થશે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાતાવરણ પલટાશે. અને કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સાથે જ આજે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટા સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયસ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની અથવા તો માવઠું પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.રાજ્યમાં ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે વીજળી પડવાની અને કરા પડે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે. દક્ષિણ ભારતના 3 રાજ્યોમાં આંધી તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ છે.