હવામાન@ગુજરાત: આગામી 4 દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે, 7 જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને મધ્ય રાત્રિ દરમિયાન ઠંડુ વાતાવરણ રહે છે, જ્યારે બપોરથી સાંજ દરમિયાન ગરમ હવામાન રહે છે. આ દરમિયાન કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 6 માર્ચથી 10 માર્ચ, 2026 સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જેટલાં જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. ગુજરાતભરમાં ગરમીની અસર હવે વર્તાઈ રહી છે, ત્યારે રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 6-7 માર્ચમાં ભાવનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બે દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ જોવા મળશે.આગામી 8 માર્ચથી 10 માર્ચ, 2026 આ ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં હીટવેવની આગાહી છે. જેમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગરમીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે આ 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શક્યતા છે.

