હવામાન@ગુજરાત: રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટ્યું, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
કચ્છનું નલિયા 13.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોર થતાની સાથે જ સૂર્યના તાપને કારણે શહેરીજનો ગરમી અનુભવી રહ્યા છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે.હવામાન વિભાગના આંકડા અનુસાર, કચ્છનું નલિયા 13.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે.
અન્ય શહેરોની જેમ કે અમદાવાદમાં 18.6 ડિગ્રી, ગાંધીનગરમાં 17.8 ડિગ્રી, રાજકોટમાં 18.5 ડિગ્રી, ભૂજમાં 16.8 ડિગ્રી, ડીસામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હિમાલયના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે.શિખરો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે ઉત્તર ભારતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વરસાદી માહોલ વચ્ચે આગામી 5 દિવસ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનનો પ્રથમ બરફ પડતા પ્રવાસીઓમાં આનંદ છવાયો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ઋતુચક્ર બદલાયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડીમાં મોટો ઘટાડો નોંધાયો છે. નલિયામાં ગત વર્ષે પારો 22 વખત 10 ડિગ્રીથી નીચે ગયો હતો. જે આ વર્ષે માત્ર 4 વખત જ નીચે ઉતર્યો છે.અમદાવાદમાં પણ છેલ્લા 15 વર્ષની સરખામણીએ જાન્યુઆરી મહિનો ઓછી ઠંડી વાળો રહ્યો છે.આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ ઊંચકાય તેવી શક્યતા છે.

