હવામાન@ગુજરાત: રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું

 
હવામાન
રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે ઠંડીના જોરમાં ઘટાડો થયો છે અને પારો ઉચકાયો છે. પવનની ગતિમાં વધારો થતા વહેલી સવારે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર ભારતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હવામાનમાં મોટો પલટો આવ્યો છે.

રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વરસાદી માહોલ છે, જ્યારે હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનનો પ્રથમ બરફવર્ષા થઈ છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા છતાં મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો અપેક્ષા મુજબ ગગડ્યો નથી. હવામાન વિભાગે બિહાર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી પાંચ દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાથી વૈશ્વિક સ્તરે ઠંડી પર અસર પડી છે.સામાન્ય રીતે પહાડો પર થતી ભારે હિમવર્ષા ગુજરાત સુધી ઠંડી લાવે છે, જે આ વખતે ઓછી રહી છે. અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા અને ગરમ પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.